વિવિધ જ્ઞાતિઓની ખાસિયતોની રસપ્રદ વાતો
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિશિષ્ટતાઓ અને વૈવિધ્ય ધરાવતા અસંખ્ય પંથકો આવેલા છે. સૌરાષ્ટ્રના આ પંથકોમાં અનેક ભ્રમણશીલ જાતિઓએ જળ અને સ્થળ માર્ગેથી આવીને વસવાટ કર્યો છે. આ બધી પ્રજાની જ્ઞાતિઓ, અટકો, ખાનપાન, રીતરિવાજ, દેવી-દેવતાઓ, ધાર્મિક માન્યતાઓ, ઉત્સવો, સંગીત, વાદ્યો અને નૃત્યોમાં કેટકેટલું વૈવિધ્ય સાંપડે છે?
‘સૌરાષ્ટ્ર : સત્યમ્ શિવમ્ સુંદરમ્’ પુસ્તકમાં આપણા લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન ચારણ કવિ પીંગળશીભાઈ મેઘાણંદ ગઢવીએ તો ગીતમાં
આહિર, ઓડ, આરબ, કાઠી, કાયસ્થ, કોળી, કણબી, કઠિયારા, કુંભાર, કલાલ, ખત્રી, ખાંટ, ખારવા, ખોજા, ખસિયા, ઘાંચી, ઘંટિયા, નાગર, ચારણ, સોની, સતવારા, સુતાર, સલાટ, સીદી, તરગાળા, તંબૂરિયા, મેર, મુમના, મોચી, મારગી, મદારી, ખરક, ખલાસ વગેરે એકસો ને સીત્તેર કોમોની નામાવલી ૨૮ પંક્તિના એક ગીતમાં આપી છે. સાથે સાથે એમણે આ બધી જ્ઞાતિઓ-કોમોની ખાસિયતો અને એમનું શું વખણાય છે તેની માહિતી બીજા એક ગીતમાં આપી છે.
આજે વાચકોને વિવિધ જ્ઞાતિઓ, નગરો અને ગામોની કઈ કઈ ચીજો લોકજીવનમાં વખણાય છે તેની રસપ્રદ માહિતી આપવાનો ઉપક્રમ છે. સૌ પ્રથમ સ્વ. શ્રી પીંગળશીભાઈ ગઢવીએ ગીતમાં આપેલ જ્ઞાતિઓની વિશિષ્ટતાઓ પર ઊડતી નજર કરીએ :
- બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત
- વાણિયાનો વેપાર, પારસીની પ્રીત
- નાગરની મુત્સદી ,વ્યાસની ભવાઈ
- લોહાણાની હુંસાતુંસી,ભાટિયાની ભલાઈ.
- આયરની રખાવટ, ચારણની ચતુરાઈ
- મેમણની ખેરાતી , સૈયદની સચ્ચાઈ
- કણબીની ખેતી, સંધીની ઉઘરાણી
- પઠાણનું વ્યાજ , ઘાંચીની ઘાણી.
- મેરનો રોટલો ,પૂજારીનો થાળ
- કોળીની કરકસર ,ભક્તોની માળ
- વહીવંચાની બિરદાવળી ,ઢાઢીનાં વખાણ
- ભાટની કવિતા ,માણભટ્ટની માણ.
- મણિયારાની ચૂડલી ,વાંઝાનો વણોટ
- ખવાસની ચાકરી ,ખત્રીનો રંગાટ
- સીદીનો મસીરો ,કાગદીની શાઈ
- ખોજાના ડાળિયા ,કંદોઈની મિઠાઈ
- ચુંવાળિયાનું પગેરું ,વાઘેરની કરડાઈ
- આડોડિયાની ઝડઝપટ ,તરકની તોછડાઈ
- અબોટીનાં કીર્તન ,બજાણિયાની ઠેક
- સોમપુરાના મંદિરો ,ઘંટિયાની ખેપ
- સરૈયાનો સુરમો ,સુતારનું ઘડતર
- મોચીનાં પગરખાં ,કડિયાનું ચણતર
- વોરાની નમ્રતા ,વાળંદનો જવાબ
- પસાધતાનો ખુંખારો ,દરવાણીનો રૂવાબ
- ખારવાનું વહાણવટું ,લોધીની જાળ
- દરજીનો ટાંકો-ટેભો ,પ્રજાપતિનો ચોફાળ
- નાડીઆનું ગાડાનારણ ,કાયસ્થની કલમ
- વૈદ્યનું પડીકું ,ગંજેરીની ચલમ
- રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ
- ભોઈનું રાંધણું ,ભરવાડોની ડાંગ
- સિપાઈનો સાફો ને નટડાનો દોર
- કાશીના પંડિતો ,તીરથનો ગોર
- વાળંદની હજામત ,ચામઠાની શાન
- લુહારિયાની અટપટી ,ડફેરનું નિશાન
- કબાડીની કુહાડી ,ભઈલનું તીર
- શીખની ઉતાવળ ,ધૂળધોયાની ધીર
- માધવિયાની કે’ણી ભોવાયાનો ભાગ
- ઢાઢીની રામલીલા, ધૂતારાનો લાગ
- મતવાનું મૈયારું ,રાંકાની રાબ
- ભીખારીની ઝોળી, ને માળીની છાબ
- નાથનો રાવણહથ્થો, ભાંડના ગાલ
- ચોરટાની શિયાળી ,તસ્કરનો ખ્યાલ
- મલ્લની કુસ્તિ ને બહુરૂપીનો વેશ
- જાદૂગરની ચાલાકી ,માલધારીનો નેસ
- ભોપાનો ભભકો ,રબારીની પુંજ
- ભરથરીનું ખપ્પર, શેતાનની સૂઝ
- પ્રશ્નોરાનું વૈદું ,નાઘોરીનો નાતો
- સાધુનું સદાવ્રત ,કસાઈનો કાતો
- લંઘાના ત્રાસાં તૂરીનું રવાજ
- કામળિયાના કાંસિયા, ડબગરનું પખાજ
- રખેહરનો ઢોલ, મીરની શરણાઈ
- મારગીનો તંબૂરો ,ધોબીની ધોલાઈ
- જંગમનો ટોકરો, રાવળનું ડાક
- વાદીની મોરલી ,બહારવટિયાની ધાક
- લંઘીના રાજિયા ,યોગીની મોજ
- જત્તીનો ત્યાગ ફિરંગીની ફોજ
- વાંસફોડાના વાંસ હીજડાની તાળી
- ગોકળીનો ગોફણિયો રાજૈયાની થાળી
- સલાટની ઘંટી પીંજારાની તળાઈ
- સંઘાડિયાનો ઢોલિયો મજૂરની કમાઈ
- સંન્યાસીનું મુંડન જોગીની ધૂણી
- ફકીરની કહુવા શરાફીની મૂડી.
- લુહારની ધમણ ગાંધર્વનું ગાણું
- જૈનોના અપવાસ સુરતીનું ખાણું
- મેઘવાળની મજૂરી ઘાંચીની ધાર
- દાડીઆ દાતરડી ખાણીયાનો ડાર
- માજોઠીનું ગધેડું ,ચુનારનો ભઠ્ઠો
- જતની સાંઢડી વણઝારાની પોઠયો
- ઘેડિયાની ટીપણી ,પઢોરાના રાસ
- કલાલનો દારૂ ,કઠિયારાનો કાંસ
- થોરોની ઈંઢોણી, ચમારનો કુંડ
- સ્વામિનારાયણનો ચાંદલો ,અતિતનું ત્રિપુંડ
- મુંડાનો વાંદર્યો ,દેવીપૂજકની વઢવેડ
- વેરીઆની કરબત ,હીજરતની હેલ્ય.
વિવિધ વ્યક્તિઓનું શું વખણાય?
લોકોક્તિઓમાં સત રાજા હરિશ્ચંદ્રનું, ટેક મહારાણા પ્રતાપની. અભિમાન રાજા રાવણનું. ભાઈબંધી કૃષ્ણ સુદામાની, વરદાન રાજા દશરથનું. સેવા શ્રવણની, બળ ભીમનું. બાણ વિદ્યા અર્જુનની, પરાક્રમ હનુમાનનું. દાન કર્ણનું. રાજ રાજા રામનું. વેપાર વાણિયાનો.
નગરોનું શું શું વખણાય?
- બરફી, ચૂનો ને પાપડી સુરતના,
- સુતરફેણી, હલવાસણ અને ખીચડી ખંભાતના.
- ભજિયા આણંદના.
- ઘી ઘોઘા, બન્ની (કચ્છ) અને જામખંભાળિયાનું.
- કંકુ ,કુંભાર ને સૂડી પાટણના.
- દોરી. દહીં ને પેંડા મથુરાના.
- ઘી કાંટા ને ગુંદરપાક સોજિત્રાના.
- સૂંઠ ,જામફળ, ગોટા ને ધોતલી ધોળકાના.
- છીંદરી છાલ ને છીપા ખેડાની.
- છીંકણી, છાસ ને કહાલાં વિરમગામના.
- ગાય, ગોવાળ ને માંકડાં ગોકુળના.
- બહેડાં, બૈરાં ને બળદ વિસનગરના.
- કપાસ કચેરી ને કામદાર ભરુચના.
- હાથી સાથી ને લાકડાં મલબારના.
- મેવો સેવો ને મિઠાઈ કાબુલના.
- બરફ બાબુ ને કાળીમાતા કલકત્તાના.
- મરણ મુરતી ને મોક્ષ કાશીના.
- જમણ સૂરતનાં, મરણ કાશીના.
- કાચ કારીગર ને કેળવણી ચીનના.
- કણબી, કાઠી ને લાઠી કાઢિયાવાડના.
- મૂળા મગદળ ને બ્રાહ્મણ સિદ્ધપુરના.
- જૂઠ જોડા ને રંગ જયપુરના.
- અમીન વસોના. કંજુસ મારવાડના.
- કણબી કડીના. કુંભાર પાટણના.
- ખારવા ખંભાતના. ગરો સિધ્ધપુરના.
- ગુરખા નેપાળના. ગોલા ખંભાતના.
- ઘાંચી ગોધરાના. ઘાટી ડુંગરપુરના.
- ચોબા મથુરાના. છીપા અમદાવાદના.
- ઠગ દિલ્હીના. તરગાળા વિસનગર અને કડીના.
- નવાબ લખનૌના. પંડિત કાશીના.
- બહારવટિયા કાઠિયાવાડના. માલધારી કચ્છના.
- લહેરીલાલા સુરતના. લુહારિયા ચિત્તોડના.
- પંડિતો કાશ્મીરના. શીખ પંજાબના,
- શૂરવીર રાજપૂતો મેવાડ-રાજસ્થાનના. સાક્ષરો નડિયાદના.
- પાવૈયા પેટલાદના ભંવડા અંબાજીના. કવિઓ બંગાળના.
- પટોળા પાટણના. સોનુ લંકાનું.
- ઠુંમરા ( કેસરી રંગના પારા) હીગળાજના. કાવડય કાશીની.
- કડલાં કાઠિયાવાડના. ડાબલા ડભોઈના.
- પટારા ને સાંગામાંચી સૌરાષ્ટ્રના. ખરાદીકામના કસબી સંખેડાના.
- જરી અને હીરાકામ સુરતના.
- બાંધણી સૂડી કંકુ અને કાતર જામનગરના.
- મરચું શેરથાનું. બાંધણી કચ્છ અને જેતપુરની.
- અશ્વો કાઠિયાવાડના અને મારવાડના.
- રમકડાં ખરાદી અને લાખકામ ઈડરના.
- ઘઉં ભાલના. તુવેરદાળ વાસદની.
- ગાંઠિયા ભાવનગરના. દેવડા (મિઠાઈ) પાટણના.
- તુવેર અને તમાકુ ચરોતરના.
- ભેંસ મહેસાણા, જાફરાબાદ અને બન્ની (કચ્છ)ની. ગાય ગિરની અને
- માણાવદરની મોજડી,
- જામનગરનો જોડો,
- બગસરાનું મોળિયું
- અને ભાવનગરનો તોડો.
આ બધાના ગુણગાન કહેવતો ઉક્તિઓ અને જોડકણામાં આજેય જોવા મળે છે.
આ બધી આપણી સંસ્કૃતિની વિરાસત છે. મોંઘેરી મિરાત છે. લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ
આ બધી આપણી સંસ્કૃતિની વિરાસત છે. મોંઘેરી મિરાત છે. લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ
एक टिप्पणी भेजें